તું ને હું
તને મારાં નસકોરાં નડે, ને મને તારો ફોન,
તોય સાથે ઘરડાં થઈએ, ઘરમાં બીજું કોણ?
તું કહે: ‘મોજાં ક્યાં નાખ્યાં? ટુવાલ ભીનો પલંગે!’
હું કહું: ‘આ શાક મોળું, મીઠું ભૂલી ઉમંગે!’
ઝઘડી ઝઘડી સાથે જમીએ, ના રાખીએ મૌન…
તને મારાં…
તારાં સગાંની ટીકા હું કરું, ને મારાં સગાંની તું,
પાડોશી પણ કાન માંડે, ઝઘડો જાણે ગીત નવું;
પણ મને તાવ ચડે, તો તું જાગે આખી રાત, ને બંધ કરે ફોન…
તને મારાં…
પરાગ કહે: આ ખામી-ખોટ જ સંસારનો રંગ,
સાવ સરખાં હોત તો કેવો નીરસ હોત આ સંગ!
બે અધૂરાં, એક જ પૂરું, બાકી સઘળું ગૌણ…
તને મારાં…
– પરાગ રતનપરા