← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તુલસીક્યારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા આંગણિયે તુલસીનો ક્યારો, ને ક્યારે મારી મા,
સાંજ પડે ને દીવો મૂકે, ઝળહળે સઘળી દિશા.

વહેલી સવારે ન્હાઈ-ધોઈ જળ ચડાવે લોટે,
પ્રદક્ષિણા ફરે ધીમી, ને નામ જપે છે હોઠે;
તુલસીના કાનમાં કહેતી ઘરની સઘળી વ્યથા…
મારા આંગણિયે…

હવે ફ્લૅટમાં આવ્યાં, ના આંગણું, ના માટી,
કૂંડામાં તુલસી રોપી, બાલ્કનીએ નાની વાટી;
તોય ત્યાં દીવો મૂકે મા, ને મ્હેકે ઘરની હવા…
મારા આંગણિયે…

પરાગ કહે: તુલસી તો છે ઘરની ભીની આંખ,
જ્યાં સુધી એ લીલી, ત્યાં સુધી ઊડે ઘરની પાંખ;
માના ગયા પછી પણ હું તુલસીમાં જોઉં માની પ્રભા…
મારા આંગણિયે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચૂપ બેઠાઆગલો લેખ →સામે પૂર