તુલસીક્યારો
બાપુ રે, મારો તુલસીક્યારો રોજ પાણી પાજો,
હું તો ચાલી સાસરિયે, મારું બાળપણ સાચવજો.
ખીંટીએ લટકે મારી ઢીંગલી, એને ધૂળ ન ચડવા દેજો,
ભાઈ રિસાય તો મારે નામે એને લાડુ દેજો;
માડીની આંખે આંસુ આવે તો મારી વાત કહેજો…
બાપુ રે, મારો…
આંગણે ઊભો લીમડો કહેશે, ‘ક્યાં ગઈ ઝૂલનારી?’
ચકલી પૂછશે ઠીબે આવી, ‘ક્યાં ગઈ ચણ દેનારી?’
કહેજો એને, પાછી આવશે, પિયરનું મન લઈને…
બાપુ રે, મારો…
પરાગ કહે: આ દીકરી નથી રે કોઈની પારકી થાપણ,
બે ઘરનો એ દીવો, બેઉ આંગણનું એ ઢાંકણ;
જ્યાં જાય ત્યાં અજવાળું વેરે, એવું વરદાન દેજો…
બાપુ રે, મારો…
– પરાગ રતનપરા