તિરંગો
ઠરે હાથ, તોયે સહારો તિરંગો,
ઢળે શીશ, ઊંચે પુકારો તિરંગો.
પરત ઘેર આવ્યો ભલે મૌન બેટો,
થયો મા તણો તે દુલારો તિરંગો.
સવારે સલામો, પછી સાંજ પડતાં
સડક પર રઝળતો, વિચારો, તિરંગો!
નથી એક ભાષા, નથી વેશ સરખો,
નદી સૌ જુદી, પણ કિનારો તિરંગો.
ગઝલ શું ચડાવે પરાગે, કહો તો?
પ્રભાતે ઝળકતો સિતારો તિરંગો.
– પરાગ રતનપરા
#ગઝલ #તિરંગો #દેશપ્રેમ #શહીદ #એકતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Tiranga #Patriotism #Martyrs #UnityInDiversity #ParagRatanpara