← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટિફિન ઠરી ગ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટિફિન ઠરી ગ્યું, દીવો ઠર્યો, ઠરી ગઈ આ સાંજ,
લોકલ આવી, લોકો આવ્યા, ના આવ્યો તું આજ.

રોજ લટકતો દરવાજે ને ગાતો ગીત અધૂરું,
‘નીકળ્યો છું’ — એ ફોન પછી તો ઘર લાગે મધપૂરું;
આજ ફોનમાં રિંગ વાગે ને સામે સૂનો સાજ…
ટિફિન ઠરી ગ્યું…

પાટા પર વેરાયાં ચંપલ, ચશ્માં, છત્રી, થેલા,
કોઈ રાખડીબાંધ્યો હાથ ને કોઈનાં સપનાં ઘેલાં;
ધર્મ પૂછીને ફૂટ્યો’તો શું, કહો, આ કાળો ગાજ?…
ટિફિન ઠરી ગ્યું…

પરાગ કહે: કાલે પાછું શહેર બધું દોડશે,
નવી ભીડ ને નવી લોકલ નવાં સપનાં જોડશે;
પણ આ ઘરની ખુરશી ખાલી, એનો કોણ ઇલાજ?…
ટિફિન ઠરી ગ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવારસોઆગલો લેખ →ક્યાં મળે?