થઈને આવજે
આવવું હો તો સખી તું ગીત થઈને આવજે,
હોઠ પર થીજી ગયેલી પ્રીત થઈને આવજે.
લોક ટોકે તો ભલે ટોકે, ન ડરજે એટલું,
ગામની નવલી નવેલી રીત થઈને આવજે.
જિંદગીભર હારતો આવ્યો, હવે તો દોસ્ત, તું
એક છેલ્લે દાવમાં તું જીત થઈને આવજે.
જેઠની લૂ ભરબપોરે, તું પવનની લ્હેરખી,
આગ ઝરતી સાંજ ટાણે શીત થઈને આવજે.
આ ‘પરાગે’ સીમમાં એકાંતમાં ગાયું ઘણું,
સૂર એનો ઝીલવા તું મીત થઈને આવજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રતીક્ષા #મિલન #આમંત્રણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveSong #Invitation #Longing #Companionship #ParagRatanpara