← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થડ પર કોતરેલું નામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લીમડાના થડ પર કોતરેલું નામ હજીયે વંચાય,
જેનું લખ્યું’તું, એ તો પરણી ગઈ પરગામ, હાય!

ચાંદની રાતે ચોરીછૂપી મળતાં’તાં અમે જ્યાં,
ચાકુની અણીએ અક્ષર અક્ષર કોર્યો’તો મેં ત્યાં;
ઝાડ વધ્યું ને અક્ષર વધિયા, હું જ રહ્યો ત્યાં ને ત્યાં…
લીમડાના થડ પર…

ઢોલ વાગ્યા, શરણાઈ ગાઈ, ડોલી ગઈ પાદર,
ઝાડની પાછળ ઊભા રહી મેં ઓઢી આંસુ-ચાદર;
લીમડે કડવાં પાન ખેરવ્યાં, જાણે મારો રાગ ગવાય…
લીમડાના થડ પર…

પરાગ કહે: કોઈ નામ ભૂંસાય ના, છાલ ભલે ઊખડી જાય,
ઝાડ ઘરડું થાય તોય એની છાતીએ નામ વંચાય;
કડવો લીમડો મીઠી પીડા લઈ આખું ગામ છવાય…
લીમડાના થડ પર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉતારોઆગલો લેખ →જંગલમાં બૂમ