થાકી ગયો
જીતવા માટે સતત એ દોડતો થાકી ગયો,
ને હરણ પાછળ પડેલો હાંફતો થાકી ગયો.
મંચ પર તાળી હતી, ને કાનમાં ઘોંઘાટ પણ,
મસ્ખરો સૌને હસાવી ખેલતો થાકી ગયો.
પીઠ પર આખું ય ઘર લઈ, મૌન એ ચાલ્યા કરે,
સાંજ પડતાં ખાટલે એ જાગતો થાકી ગયો.
રોજ મંદિર-મસ્જિદે ફરિયાદ લાખો સાંભળી,
ઈશ્વર ય પથ્થર બની બસ વેઠતો થાકી ગયો.
આ ‘પરાગે’ ફૂલથી ફૂલે સફર કીધી ઘણી,
તોય ના બોલ્યો કદી, બસ મ્હેકતો થાકી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #માણસ #થાક #સોનેરીમૃગ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #HumanAfterAll #Exhaustion #RatRace #Father #ParagRatanpara