← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટેશનનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાડી આવે, ગાડી જાય,
ટેશન પર એક છોકરી ગાય.

આંખે એને દેખાતું નહીં, પણ સૂર એનો જોતો,
તાળી પાડી તાલ પુરાવે, હસતો જાય ખલાસી મોટો;
ડબ્બે ડબ્બે સૂર ઊડે ને મુસાફરો મલકાય…
ટેશન પર એક છોકરી ગાય.

કોઈ ફેંકે સિક્કો, કોઈ ફેંકે ઝીણી નજરું,
કોઈ બારી બંધ કરીને ઓઢી લે છે ચાદરું;
પણ એનું ગીત તો બારી ખોલી અંદર જઈ સમાય…
ટેશન પર એક છોકરી ગાય.

પરાગ કહે: સૌ મુસાફર પોતપોતાને ગામ,
ગીત ન કોઈ ટિકિટ માગે, ગીત ન માગે દામ;
ગાડી ગઈ, પણ ગીત રહ્યું, ને પાટા પણ ગણગણાય…
ટેશન પર એક છોકરી ગાય.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅજવાસઆગલો લેખ →મધ ને ડંખ