તમે બોલો તો
તમે બોલો તો ઓરડો ઓરડો લાગે,
આ મૂંગી ભીંતોમાં કોઈ ટહુકો જાગે.
છાપું વાંચો, ચા પીઓ, ને ફોન મચેડ્યા કરો,
હું તો સામે બેઠી, તોય ક્યાંક બીજે જ ફરો;
એક વાર ‘કેમ છે?’ કહો તો મૌન આઘું ભાગે…
તમે બોલો તો…
ઝઘડો કરો તોય ગમે, પણ ચૂપ ન રહેશો, વ્હાલા,
ચૂપ્પીનાં તો ઘરમાં લાગ્યાં કાટ ખાધેલાં તાળાં;
શબ્દ તમારો કૂંચી, મારું આખું ઘર ઉઘાડે…
તમે બોલો તો…
પરાગ કહે: આ પ્રેમ તો બે-ચાર શબ્દનો ભૂખ્યો,
સોનું-રૂપું શું કરે, જ્યાં વહાલનો કૂવો સૂક્યો?
‘જમી?’ એટલું પૂછો, ત્યાં તો પેટ ભરાયું લાગે…
તમે બોલો તો…
– પરાગ રતનપરા