તમાશબીન
રોડ પર ઘાયલ તરફડે ને બધા જોયા કરે,
ફોન ઊંચા, શ્વાસ નીચા — આ સભા જોયા કરે.
ચીસ પાડી એક અબળા, બારણાં ભીડાઈ ગ્યાં,
પાંદડાં થથરે, છતાં સૂની હવા જોયા કરે.
કેસ ચાલે છે, મુદત પર ત્યાં મુદત પડતી રહે,
ને ઉપરથી મૂછમાં હસતો ખુદા જોયા કરે.
જે થયું, એમાં હતો હું પણ, ખબર છે આ મને,
રોજ મારો આયનો પણ એ કથા જોયા કરે.
આ પરાગે પણ ઉઠાવી ના કલમ, ને એ પછી
શબ્દ પણ રૂઠી ગયા, ને આ વ્યથા જોયા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #સમાજ #મૌનસાક્ષી #સંવેદનહીનતા #અન્યાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Bystanders #SilentCrowd #Apathy #Injustice #ParagRatanpara