તમારા સમ
તમારા સમ, હવે ના રૂઠીએ, સાજન, તમારા સમ,
રીસનાં વાદળ વીખરી જાય, ને વરસે હેતની રમઝમ.
કાલે સાંજે ચા ઠંડી થઈ ને ઠંડી થઈ ગઈ વાતો,
તમે છાપામાં, હું રસોડે, એમ વીતી આખી રાતો;
સવારે જોયું તો તકિયે બેઉના આંસુની ભીનપ કમકમ…
તમારા સમ…
તમે મનાવ્યાં નહીં, ને હું તો રીસે ચડી ઘોર,
વચમાં બેઠી દીકરી પૂછે: ‘કેમ આ ચુપકીનો શોર?’
એની આંખે જોયું ત્યાં તો પીગળ્યો બેઉનો સંયમ…
તમારા સમ…
પરાગ કહે: આ સંસારમાં તો ઝઘડા ને મેળ બેય,
લોટમાં જેમ ચપટી મીઠું, એમ રીસ પણ રહેય;
રીસ પછીનો પહેલો કોળિયો, એ જ પ્રેમનો મરમ…
તમારા સમ…
– પરાગ રતનપરા