તદાકાર
હું તો તદાકાર થઈ ગ્યો રે, સાધો, હું તો તદાકાર,
ના કોઈ આગળ, ના કોઈ પાછળ, ના કોઈ આરપાર.
નદી થઈ ત્યાં દરિયે ભળ્યો, દરિયો થઈ ગ્યો વાદળ,
વાદળ થઈને વરસ્યો ત્યારે, ખેતરે ઊગ્યો કાગળ;
કાગળ પર મેં નામ લખ્યું તો અક્ષર થઈ ગ્યા નિરાકાર…
હું તો તદાકાર…
જન્મ્યો ક્યારે, મરશું ક્યારે, એ તો કોઈ ન જાણે,
પાંદડું પડે, બીજ ઊગે, એ જ ચક્કર ટાણે ટાણે;
હું ય પાંદડું, હું ય બીજ, ને હું જ આખો વિસ્તાર…
હું તો તદાકાર…
પરાગ કહે: આ ફૂલ ખરે ત્યાં મ્હેક વસે છે હવામાં,
દેહ ખરે તો જીવ વસે છે સઘળા પ્રાણ-પવનમાં;
‘હું’ ને ‘તું’ની ભીંત તૂટી, ત્યાં ખૂલ્યું સઘળું દ્વાર…
હું તો તદાકાર…
– પરાગ રતનપરા