← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા ગામનો કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારા ગામનો કાગળ આવ્યો, મ્હેક્યું મારું ઘર રે,
ગડી ઉકેલું ત્યાં તો ઊડ્યાં પતંગિયાંના પર રે.

ખૂણે હળદરનો ડાઘો ને કવરે આંબામોર,
લીટી લીટીમાં સંભળાતો તારા ગામનો મોર;
‘ખુશ છું’ લખ્યું ત્યાં જ પડ્યો છે ઝાંખો એક અક્ષર રે…
તારા ગામનો કાગળ આવ્યો…

મેં તો સૂંઘ્યો, મેં તો ચૂમ્યો, વાંચ્યો સો સો વાર,
એક જ લીટી ‘ક્યારે આવીશ?’ — એનો શો રે ભાર!
જવાબ લખવા બેસું ત્યાં તો ધ્રૂજે આખો કર રે…
તારા ગામનો કાગળ આવ્યો…

પરાગ કહે: આ શહેર તણી ટપાલે કેવળ બિલ,
એક જ કાગળ ગામ તણો, ને ભીનું આખું દિલ;
અક્ષર સૌ ભૂંસાઈ જશે, પણ મ્હેક રહેશે અમર રે…
તારા ગામનો કાગળ આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરોજ માળી માગશેઆગલો લેખ →ગડીઓ