સોય ને દોરો
બાની સોયે દોરો પરોવ્યો, ને સાંધી ફાટી ચોળી,
કોઈ તોડે, કોઈ જોડે, બા તો બેઠી ટાંકા બોળી.
ભાઈએ ભાઈથી બોલવું છોડ્યું, વાડે ઊગી વાડ,
બાએ બેઉને થાળી પીરસી, એક જ ચૂલે લાડ;
રિસામણાંના ટાંકા ખોલી, હસવું દીધું ઢોળી…
બાની સોયે…
પાડોશીની દીકરી પરણી, ગામ આખું દોડ્યું,
બાએ કંઈ ન કીધું, ચૂપચાપ ઘરચોળું ઓઢાડ્યું;
લાગણીના દોરે જોડ્યાં ગામનાં સૌ ખોળી…
બાની સોયે…
પરાગ કહે: આ દુનિયા આખી કાતર લઈને ફરતી,
એક જ બા છે સોય લઈને, ફાટેલું સૌ ભરતી;
ગયાં પછી પણ એના ટાંકે ગોદડી હજી ન ખોલી…
બાની સોયે…
– પરાગ રતનપરા