સંબંધમાં
સ્નેહની ઠંડક નથી, બસ તાપ છે સંબંધમાં,
કેટલું તેં, કેટલું મેં, માપ છે સંબંધમાં.
હાથ મેળવતાં જ ગણવી આંગળી પડતી ફરી,
કેટલો ઊંડો દગાનો વ્યાપ છે સંબંધમાં.
દીકરો ને બાપ બંને એક ઘરમાં, મૌન છે,
ચૂપકી પણ કોઈ મૂંગો શાપ છે સંબંધમાં.
મેં નિભાવ્યો સાવ એવી રીતથી, જાણે ભજન,
આ નિભાવો એક જાણે જાપ છે સંબંધમાં.
મ્હેક જો ના હોય, ખાલી રંગ હો, તો ઓ ‘પરાગ’,
કાગળી ફૂલો ધરે, એ પાપ છે સંબંધમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #દગો #પરિવાર #નિભાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #Betrayal #FamilySilence #Commitment #ParagRatanpara