← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મિતની સાંકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્મિતની સાંકળ વાસી તેં તો, બારણું ભીડ્યું હેતનું,
હું તો ઊભો ઉંબરે, સખી, ગીત લઈને રેતનું.

સો સો હસીને આગળિયા તેં વાસ્યા મારે કાજ રે,
ભીતર કોણ વસે છે એની ભાળ ન આપી આજ રે;
ટકોર મારું, ટહુકો કરું, તોય ન ખૂલે કમાડ,
વાડ બનીને ઊભું રહ્યું તારું મીઠું લાડ…
સ્મિતની સાંકળ વાસી…

આંખ્યું તારી અજવાળાં, પણ અજવાળાં પણ પડદો,
હસતાં હસતાં સંતાડે તું ભીતરનો એક ખરડો;
કોઈ દિવસ તો રડી પડ તું, ભીનું થાજે સ્હેજ,
આંસુની બારીમાંથી દેખાશે તારું તેજ…
સ્મિતની સાંકળ વાસી…

પરાગ કહે: આ સ્મિતના તાળે ચાવી એક જ ચાલે,
જે દી' તું મારા ખભે માથું મૂકીને દુઃખ ઠાલે;
ત્યારે ખૂલશે સાત કમાડ ને ઊઘડશે આખું ઘર,
હું ને તું ને વચ્ચે માત્ર ભીનું ભીનું અંતર…
સ્મિતની સાંકળ વાસી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમેળોઆગલો લેખ →ઈશ્વરનું ગૃહકાર્ય