← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્મરણ તારું આવે ને મારી સાંજ ભીંજાઈ જાય,
ઓસરીનો દીવો ઝાંખો, પડછાયો લંબાય.

આંબાની ડાળે હીંચકો ને હીંચકે તારી હસી,
પાદરને કૂવે ગાગર લઈ તું ઊભી’તી ખસી;
એ કૂવો તો પુરાઈ ગયો, પણ પાણી હજુ ય ગાય…
સ્મરણ તારું આવે…

ચિઠ્ઠીઓ મેં સંઘરી રાખી, પીળી પડી ગઈ શાહી,
અક્ષર તારા ઝાંખા, પણ એની મ્હેક રહી ત્યાંહી;
વાંચું ત્યાં તો આખો જનમ ફરી પાછો વંચાય…
સ્મરણ તારું આવે…

પરાગ કહે: સ્મરણ તો છે કરમાયેલું ફૂલ,
ગાંઠે બાંધું તો મ્હેકે, ને ખોલું તો વાગે શૂળ;
એવું સુખ ને એવું દુઃખ, બેઉ એક સાથે સમાય…
સ્મરણ તારું આવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથોડું અંતરઆગલો લેખ →મોંઘું થયું