સ્ક્રીનમાં
રૂબરૂ મીઠા, ઝરે છે ઝેર-ડોળા સ્ક્રીનમાં,
એકલા ડરપોક સૌ, પણ થાય ટોળાં સ્ક્રીનમાં.
આંગળીથી યુદ્ધ ખેલે, એ ય ઘરબેઠા સિપાઈ,
રાતદિન ફેંકે સતત એ ગાળ-ગોળા સ્ક્રીનમાં.
એક ખોટી વાત ફૂંકી, આગ લાગી ગામમાં,
‘શેર’ કરતા સૌ ગયા'તા સાવ ભોળા સ્ક્રીનમાં.
બાપજી પણ મોક્ષ વેચે, ‘લિંક’ નીચે છે બધું,
ભક્તને લૂંટે, ઝગારે વસ્ત્ર ધોળાં સ્ક્રીનમાં.
ફોન મૂકી ચાલ શેરીમાં, મળી લઈએ ‘પરાગ’,
હાથ સાચા હૂંફ દેતા, સાથ મોળા સ્ક્રીનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #ટ્રોલ #અફવા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMedia #Trolls #FakeNews #ParagRatanpara