શ્યામ વાદળ થયો
શ્યામ તો વાદળ થઈ વરસી ગયો, ને હું રહી ગઈ કોરી,
ગામ આખું ભીંજાયું રે સખી, ને સૂકી રહી મારી ઓરડી.
મોર બોલ્યા ને ઝબકી વીજળી, મેં માન્યું કાનો આવ્યો,
બારીએ દોડી, પાલવ ફેલાવ્યો, પણ એ તો ખેતરે ધાયો;
ખેડૂતની આંખોમાં ઝરમર થયો, ને મારી આંખોમાં ચોરી.
શ્યામ તો વાદળ થઈ વરસી ગયો…
જમના છલકાઈ, ને ગાયો નાચી, ઝાડવાં થયાં લીલાંછમ,
વાંસળી વાગી ઝરણાંમાં, ને મારું હૈયું રહ્યું ચૂપચાપ ગમ;
સહુને આપ્યું, મને ન આપ્યું, એ કેવી રે તારી દોરી?
શ્યામ તો વાદળ થઈ વરસી ગયો…
પછી સમજાયું, હું જ તો ધરતી, ને મારે ખોળે સૌ ઊગ્યું,
પરાગ કહે, જે સૌમાં વરસે, એ મારામાં જ તો ડૂબ્યું;
કોરી નહીં, હું તો આખી ભીની, હું જ શ્યામની ગોરી.
શ્યામ તો વાદળ થઈ વરસી ગયો…
– પરાગ રતનપરા