શેર થઈ
ઘાવ ઊંડો હતો, એ વ્યથા શેર થઈ,
જે મળી જિંદગીમાં, સજા શેર થઈ.
વૈદ થાક્યા બધા, કામ આવી નહીં,
આખરે પીડની આ દવા શેર થઈ.
માવડી જે જપે રાતભર મંદિરે,
એ જ ઝીણી, અમારી દુઆ શેર થઈ.
ફૂલ ધૂળે ગયું, મ્હેક પણ ના મરી,
એ સુગંધે ભરી આ હવા શેર થઈ.
આ પરાગે લખી ના કશું જાતથી,
આંસુઓની બધી આ કથા શેર થઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #પીડા #કવિતા #સર્જન #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #PainToPoetry #Creation #Heartache #PoetsLife #ParagRatanpara