શરદપૂનમ
આજ શરદપૂનમનો ચાંદો રે ઊતર્યો અગાસીએ,
દૂધપૌંઆની થાળીમાં રે ઝબક્યો અગાસીએ.
ચાંદનીમાં ધોવાયા ઘરના ઓટલા, ઉંબર, મોલ,
સહિયર સાથે ગરબે ઘૂમું, ઝાંઝરના ઝીણા બોલ;
વાલમ મારો દૂર વિદેશે, જીવ મૂંઝાયો અગાસીએ…
આજ શરદપૂનમનો…
ખીરની વાટકી અધૂરી મૂકી, જોઉં હું એની વાટ,
ચાંદાને કહું: ‘જા તું એને દેશ, કહેજે મારી વાત’;
ચાંદો હસ્યો: ‘ત્યાં સૂરજ ઊગ્યો, તું જાગ હવે અગાસીએ.’
આજ શરદપૂનમનો…
પરાગ કહે: આ ચાંદો ગોળ, ને ગોળ છે આખો સંસાર,
આજ અહીં જે અમરત વરસે, કાલ જશે દરિયાપાર;
વાટકીમાં તું ચાંદો ઝીલી, પી લે ઘૂંટડો અગાસીએ…
આજ શરદપૂનમનો…
– પરાગ રતનપરા