શબ્દ
શબ્દને શણગાર સજાવું, શબ્દને સોળ શણગાર રે,
અર્થનું ઝાંઝર પહેરાવું, ભાવનો ઓઢાડું હાર રે.
કોઈ શબ્દ તો મોતી જેવો, કોઈ શબ્દ તલવાર,
કોઈ શબ્દ માના ખોળા જેવો, કોઈ શબ્દ અંગાર;
બોલતાં પહેલાં તોલી લેજો, શબ્દનો ભારે ભાર રે…
શબ્દને શણગાર…
એક શબ્દથી મહાભારત થ્યું, એક શબ્દથી ગીતા,
એક શબ્દથી રામ ગયા વન, એક શબ્દથી સીતા;
શબ્દ જ બાંધે, શબ્દ જ તોડે, શબ્દ જ છે સંસાર રે…
શબ્દને શણગાર…
પરાગ કહે: મૌન પછીનો શબ્દ જ સાચો શબ્દ,
ઊંડા કૂવેથી આવે, જેમ મીઠું જળ નિઃશબ્દ;
એવો એક જ શબ્દ મળે તો ધન્ય મારો અવતાર રે…
શબ્દને શણગાર…
– પરાગ રતનપરા