શામળિયા સંગ ગાંઠ
મેં તો શામળિયા સંગ બાંધી પ્રીતની પાકી ગાંઠ,
જગ આખું છોડાવે તોયે ના છૂટે એ આંટ.
નથી જોઈતાં ઝાંઝર-ઝૂમખાં, નથી જોઈતાં ચીર,
એની વાંસળી સુણું ત્યાં તો વહી જાય આંખે નીર;
મહેલ-મેડીના મોહ મેલ્યા, મેલ્યો સઘળો ઠાઠ…
મેં તો શામળિયા સંગ…
સાસુ-નણંદ મેણાં મારે: ‘આ તે કેવી રીત?’
હું તો ગાઉં ભજન રાતદી, મારે હરિ સંગ પ્રીત;
દુઃખનાં પાણી હસતાં પીધાં, ભલે કડવા ઘાટ…
મેં તો શામળિયા સંગ…
પરાગ કહે: જે ભીતર બેઠો, એ જ સાચો ભરથાર,
બીજાં સગપણ ઝાકળ જેવાં, આ સગપણ અપાર;
ઘટમાં એનો દીવો બળે, ના બૂઝે કોઈ વાટ…
મેં તો શામળિયા સંગ…
– પરાગ રતનપરા