સૌ ગાંડો કહે
ચાંદ સાથે વાત કરતો, ગામ સૌ ગાંડો કહે,
રોજ રટતો એક સરખું નામ, સૌ ગાંડો કહે.
ફૂલની પૂછું ખબર, ને ઝાડ સાથે વાત પણ,
ગીતને ખાતર ગુમાવ્યું કામ, સૌ ગાંડો કહે.
મંદિરે ના ઘંટ, ના દીવો, ધજા ના ધૂપ પણ,
રંક બાળકમાં નિહાળું રામ, સૌ ગાંડો કહે.
હું ગયો વૃંદાવને ના, ના ગયો હું દ્વારિકા,
રેતમાં, પથ્થર મહીં પણ શ્યામ, સૌ ગાંડો કહે.
આ પરાગે મ્હેક વેરી છે બધી ચારે દિશે,
એ ભટકતો, ના ઘરે કે ઠામ, સૌ ગાંડો કહે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘેલછા #કવિ #ફકીરી #લોકનિંદા #પરાગરતનપરા
#GujaratiGhazal #MadPoet #Mystic #Nonconformist #DivineMadness #ParagRatanpara