સરનામું
ઘડીમાં થઈ ગયું ઘર, જ્યાં લખાયું નામ સરનામું,
તમારી આંખના ખૂણે વસે એ શ્યામ-સરનામું.
પરત આવ્યા બધા કાગળ, ટપાલી પણ થયો થાકી,
કહે: ‘જ્યાં તું ગયો, એ તો નથી કો’ ગામ સરનામું.’
મને પૂછે બધા, ‘ક્યાંનો?’ — કહું હું, ‘માવડી ખોળે’,
નથી નકશે, નથી ફોને, મળે આરામ-સરનામું.
ભણાવ્યા બેઉ બેટાને, ઘણું આપ્યું, ઘણું ખોયું,
હવે ઘરડાંઘરે, આખર થયું અંજામ-સરનામું.
પરાગે ફૂલ પર બેસી, પવનને પૂછતાં જાણ્યું,
વસું જ્યાં મ્હેક થઈ, ત્યાં એ જ મારું ધામ-સરનામું.
– પરાગ રતનપરા
#ગઝલ #સરનામું #ઘર #મા #ઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Address #Belonging #MothersLap #HomeIsLove #ParagRatanpara