સપનાનું ગામ
ગામ એવું રે મળે, જ્યાં પાદર પૂછે નામ,
ઝાંપે ઊભો લીમડો બોલે: ‘આવો, કરો આરામ.’
કૂવાકાંઠે પનિહારીની હેલનો ઠમકો થાય,
ચોરે બેઠા દાદાની વાતો ખૂટી ના ખૂટી જાય;
ડેલી ખુલ્લી રાત-દિવસ, ને તાળાનું ક્યાં કામ?
ગામ એવું રે મળે…
નિશાળ છૂટે ને છોકરાં દોડે સીમ ભણી રમવા,
ઘેર ઘેરથી મા સાદ પાડે: ‘ચાલો આવો જમવા’;
ભૂખ્યું કોઈ ના સૂએ, ત્યાં રોટલો પહેલો રામ…
ગામ એવું રે મળે…
પરાગ કહે: એ ગામ શોધવા ભટક્યો હું સો દેશ,
નકશામાં ના મળ્યું, મળ્યા તો બાના ધોળા કેશ;
બાની ગોદમાં માથું મૂકું, એ જ મારું ધામ…
ગામ એવું રે મળે…
– પરાગ રતનપરા