સપનાનું ગામ
રાતે આવ્યું સપનું, એમાં મારું ગામ હતું રે,
જાગી જોયું તો ઓશીકે બસ ભીનું નામ હતું રે.
સપને માની રોટલી ગરમ, ચૂલે ધૂમ ધુમાડો,
બાપુ ઓટલે હુક્કો ગગડાવે, ફળિયે ભેંસ ને પાડો;
જાગ્યો ત્યાં તો એલાર્મ વાગ્યું, ઑફિસ કામ હતું રે…
રાતે આવ્યું…
સપને ભાઈબંધ સાદ પાડે: ‘ચાલ, નદીમાં ધૂબકા!’
કૂદ્યો ત્યાં તો પલંગથી પડ્યો, ને પત્નીના ઠપકા;
સપનું ભાગ્યું, ઢીંચણ છોલાયો, એ જ ઇનામ હતું રે…
રાતે આવ્યું…
પરાગ કહે: આ સપનાં તો છે ઝુરાપાની બારી,
ગામ છૂટ્યું, પણ ગામ ન છૂટ્યું, એ જ વાત છે ભારી;
પરદેશે પણ નીંદર વચ્ચે ઘરનું ધામ હતું રે…
રાતે આવ્યું…
– પરાગ રતનપરા