સન્નાટો
હતાં બાળક, હતો કલરવ, હવે છે ગીત સન્નાટો,
ગયાં સૌ દૂર, ને ઘરની બની છે રીત સન્નાટો.
કહેવું’તું ઘણું, પણ શબ્દ જડ્યા ના કદી, તેથી
તમારી ને અમારી છે હવે આ પ્રીત સન્નાટો.
ધજા ફરકી, થયો જયકાર, ને ચોપાસ લાશો છે,
વિજયના ઢોલ વાગે છે, છતાં છે જીત સન્નાટો.
ગયો પરદેશ મારો મિત્ર, જે ઝઘડો કરે મીઠો,
ઇમોજી મોકલે છે બસ, હવે એ મીત સન્નાટો.
‘પરાગે’ શબ્દ વેર્યા છે, જરા ધ્યાને સુણો તો, દોસ્ત,
ગઝલની આખરે બનતું રહે સંગીત સન્નાટો.
– પરાગ રતનપરા
#ગઝલ #સન્નાટો #ખાલીઘર #મૌન #યુદ્ધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #EmptyNest #UnspokenLove #CostOfWar #ParagRatanpara