સળિયા
ધીરે ધીરે આવજે, ચાંદલિયા, મારા સળિયાની પાર,
આ કોટડીમાં તારા સિવાય ન આવે કોઈ ઉજાસ, યાર.
કોઈ દિ’ એક ગુનો કર્યો’તો, ગુસ્સો હતો ભારી,
ઘડી પળનું પાગલપણ, ને વરસોની આ બારી;
માડી રોતી હશે ગામમાં, કોણ લેતું હશે સંભાળ…
ધીરે ધીરે આવજે…
દીવાલ પર મેં લીટા પાડ્યા, ગણ્યા દિવસ ને રાત,
ચકલી આવે તો એની સાથે કરું મનની વાત;
પડછાયો મારો પણ થાકી, બેસી ગયો છે લાચાર…
ધીરે ધીરે આવજે…
પરાગ કહે: આ સળિયા તો લોખંડના છે, ભાઈ,
ભીતરના સળિયા તોડે તે જ સાચી રિહાઈ;
પસ્તાવાનું આંસુ પડે ત્યાં ખૂલી જાય દરબાર…
ધીરે ધીરે આવજે…
– પરાગ રતનપરા