સાથે છતાં
બે ય ઊભાં એક ઘરના બારણે સાથે છતાં,
ના મળી આંખો કદી એ આંગણે સાથે છતાં.
ફોન એનો, ફોન મારો, બેય ગુમ પડદા મહીં,
થીજતાં બંને હૃદય આ તાપણે સાથે છતાં.
રાતભર બાળક રડે છે, ને અમે બે જાગતાં,
ના ઝુલાવ્યું કોઈએ એ પારણે સાથે છતાં.
બાપ ગ્યા, ને ભાઈઓ વર્ષો થયાં બોલ્યા વિના,
મૌન બેઠા ત્રણ જણા એ બેસણે સાથે છતાં.
ફૂલ ખીલ્યું એક ડાળે, ને પરાગે મ્હેકિયું,
તોય વિખરાયાં પવનના કારણે સાથે છતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #એકલતા #અંતર #આધુનિકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #TogetherYetApart #Relationships #Loneliness #ModernLife #ParagRatanpara