સાથમાં
ગામ છોડ્યું, દેશ છોડ્યો, તો ઉદાસી સાથમાં,
સો મુકામો પાર કીધા, પણ પ્રવાસી સાથમાં.
નાવ નવલી, સઢ નવા, ને આ સમંદર પણ નવો,
તો ય તોફાને ડરે, એવો ખલાસી સાથમાં.
ટાવરે જઈ વાસ કીધો આઠમે માળે, છતાં
ભીતરે તો ગામડાનો આ નિવાસી સાથમાં.
દેશ છોડ્યા, ઍરપોર્ટો કેટલાં જોયાં, છતાં
જે ગુમાવ્યું બાળપણમાં, એ તલાશી સાથમાં.
આ પરાગે બાગ છોડ્યા, ફૂલ છોડ્યાં કેટલાં,
મ્હેક શોધે મન, ભ્રમર જેવો પિયાસી સાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રવાસ #ઉદાસી #વતન #પરદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Journey #Melancholy #Homeland #Diaspora #ParagRatanpara