સાંજનો દરિયો
સાંજ ઢળે ને દરિયો ગાતો, હું તો રેતીમાં બેઠી,
તારી વાટે નજરું માંડી, દૂર ક્ષિતિજ લગ પેઠી.
ધીમે ધીમે સૂરજ ડૂબે, કેસરિયાળાં પાણી,
મોજું આવે, મોજું જાતું, કહેતું તારી વાણી;
છીપલાં વીણી ખોળો ભરિયો, યાદો સઘળી સમેટી…
સાંજ ઢળે ને…
નાળિયેરીની ડાળે ડાળે પવન ઝુલાવે ઝૂલા,
ભીની રેતે નામ લખું ત્યાં મોજાં ભૂંસે, ભૂલાં;
રોજ લખું ને રોજ ભૂંસાતું, તોય હું આશા લપેટી…
સાંજ ઢળે ને…
પરાગ કહે: આ દરિયો જાણે ખારાશનો ભંડાર,
તોય તળિયે મોતી ઊગે, એવો છે સંસાર;
આંસુ ખારાં, તોય પ્રીતનું મોતી લીધું ભેટી…
સાંજ ઢળે ને…
– પરાગ રતનપરા