સાંજ ઢળે
સાંજ ઢળે ને ઓસરીએ ધીમે ધીમે અંધારું ઊતરે,
બાપુ બેઠા ખાટલે, એની આંખોમાં આખું ગામ ઊતરે.
ગાયો પાછી વળે ગોંદરેથી, ઘંટડીઓ રણકાય,
ખેતરેથી થાકેલો વાયરો ધૂળ ખંખેરતો જાય;
ચૂલે બા રોટલા ટીપે, ને ધુમાડે સાંજ ઊતરે…
સાંજ ઢળે…
બાપુની લાકડી ભીંતે ટેકે, ચશ્માં ખિસ્સે બેઠાં,
જૂના દિવસોની વાતો કરતાં, શબ્દો ધીમા, મીઠા;
‘મારા જમાનામાં…’ કહેતાં, એક આંસુ ગાલે ઊતરે…
સાંજ ઢળે…
પરાગ કહે: આ સાંજ નથી, આ તો જીવતરની ઢળતી વેળ,
સૂરજ ડૂબે પણ દીવો જલે, એ જ સમયનો ખેલ;
બાપુ હસીને કહે: ‘દીકરા, હવે તારે આંગણે સૂરજ ઊતરે…’
સાંજ ઢળે…
– પરાગ રતનપરા