← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સામે શેઢેથી સાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સામે શેઢેથી સાદ તમે પાડ્યો ને મારું દાતરડું હાથમાંથી છૂટ્યું,
કે લીલુંછમ ખેતર આખું ઝૂમ્યું રે, સાયબા.

બાજરીના ડૂંડાએ કાન માંડ્યા ને ચાડિયો પણ જોતો રહ્યો ત્રાંસો,
ખાળિયામાં પાણીએ ખળખળ કીધું, જાણે એને ય લાગ્યો સાદ ખાસો;
મેં તો ઓઢણીનો છેડો દાંતે દાબ્યો ને મારો શ્વાસ જરા અમથો તૂટ્યો…
કે લીલુંછમ…

મારે હોંકારો દેવો, ના દેવો, ત્યાં તો મનમાં ઝઘડો રે મચ્યો,
હોઠ ઉઘાડું ત્યાં શરમ બેઠી ને ગાલ ઉપર રાતો રંગ રચ્યો;
પછી ચકલીએ ચીં ચીં કરી દીધું, ને જવાબ મારો જાતે જ ફૂટ્યો…
કે લીલુંછમ…

પરાગ કહે: આ શેઢા તો બે, પણ ધરતી તો એક જ છે ભાઈ,
સાદ અને હોંકારા વચ્ચે ઊગી નીકળે આખી સગાઈ;
સાંજ પડે ત્યાં ગાડું જોડ્યું, ને સંગાથનો દોર કદી ના તૂટ્યો…
કે લીલુંછમ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહસવું પડેઆગલો લેખ →શબ્દ-પતંગ