રિસામણાં
રિસાઈ બેઠી રાધિકા, કાનો મનાવે રે,
વાંસળીના સૂરે સૂરે માફી ગવડાવે રે.
માખણ ધર્યું તો બોલી: ‘જા, ગોપીઓને ખવડાવ’,
મોરપીંછ દીધું તો બોલી: ‘તારે માથે જ સજાવ’;
કદમની ડાળે બેઠો કાનો આંસુ ઢળકાવે રે.
રિસાઈ બેઠી…
જમનાજીને કાંઠે બેઠી, પાણીમાં પગ બોળી,
કાનાની પડછાઈ આવી, તો રાધાએ જળ ડહોળી;
ડહોળાયેલા જળમાં પણ કાનો મલકાવે રે.
રિસાઈ બેઠી…
પરાગ કહે: રીસ વિનાની પ્રીત તો ફૂલ વિનાની ડાળી,
રૂઠે, માને, ફરી રૂઠે, ત્યાં જ પ્રીતની દિવાળી;
રાધા હસી પડી, ને આખું વ્રજ ઝૂમી ગાવે રે.
રિસાઈ બેઠી…
– પરાગ રતનપરા