રેતીનો મહેલ
રેતીનો મહેલ મેં બાંધ્યો સખી, દરિયાને કાંઠે,
મોજું આવ્યું ને લઈ ગયું, રહી ગયાં છીપ ને કાંઠે.
ઝરૂખો બાંધ્યો, મિનારો બાંધ્યો, શંખની મૂકી બારી,
અંદર મૂક્યો સાયબો મારો, બહાર ઊભી હું ન્યારી;
દરિયો હસ્યો: ‘અલી ઘેલી, આ ઘર કોણે રે માંડ્યું ઘાટે?’
મોજું આવ્યું ને…
ફરી બાંધ્યું, ફરી તૂટ્યું, ફરી હસીને બાંધ્યું,
આંગળીઓમાં રેતી ચોંટી, મન દરિયામાં સાંધ્યું;
તૂટવામાં પણ મજા હતી, એ સમજી પાછલી વાટે…
મોજું આવ્યું ને…
પરાગ કહે: આ જીવતર પણ રેતીનો મહેલ જ જાણો,
બાંધવું, હસવું, છૂટવું — એ જ સાચો રે લહાણો;
મોજું તો આવશે જ, પણ ગીત તો રહેશે કાંઠે…
મોજું આવ્યું ને…
– પરાગ રતનપરા