રેતઘડી
રેત સરે રે રેતઘડીમાં, ઝીણી ઝીણી ધાર,
ઉપર ખાલી, નીચે ઢગલો, કોણ ગણે આ ભાર?
બાળપણું તો ઉપર બેઠું, રમતું ઝૂલે ઝૂલે,
સપનાં જોતું, હસતું, ગાતું, કોઈ દિ’ ના ભૂલે;
ત્યાં તો સરક્યો કણ પહેલો, ને જોબન આવ્યું દ્વાર…
રેત સરે રે…
જોબન દોડ્યું ડૉલર પાછળ, દોડ્યું મોટર-ગાડી,
વચલી ઝીણી ગરદન જેવી સાંકડી સઘળી વાડી;
ઊંઘ ગુમાવી, હેત ગુમાવ્યાં, ગુમાવ્યો પરિવાર…
રેત સરે રે…
પરાગ કહે: આ રેતઘડીને ઊંધી કોણ વાળે?
ઉપરવાળો જોયા કરે ને હળવે હસે આ ટાણે;
જે ક્ષણ હાથમાં, એ જ ઉજાળો, બાકી સૌ અંધાર…
રેત સરે રે…
– પરાગ રતનપરા