રમતા હતા
એ તળાવે સાંજ ઢળતાં કાંઠડે રમતા હતા,
ધોમ તડકે વડ તણા એ છાંયડે રમતા હતા.
ના રમકડાં કીમતી, ના ફોન કે ટીવી હતાં,
ગામના તૂટેલ જૂના બાંકડે રમતા હતા.
બૂમ માની સાંભળી ના, ભૂખ ભૂલીને બધી,
ઠેઠ મોડી રાત લગ એ લીમડે રમતા હતા.
જિંદગી ઘૂમ્યા કરે છે આજ પણ એ રીતથી,
ધૂળિયે શેરી, અમે જ્યાં ભમરડે રમતા હતા.
આ પરાગે આંક પાટીમાં પછી ઘૂંટ્યા હતા,
રાતના તારા ગણી, એ આંકડે રમતા હતા.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #ગામડું #રમતો #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #VillageMemories #ChildhoodGames #Nostalgia #ParagRatanpara