રમકડાંની રેલ
છુક છુક કરતી ચાલી રેલ, રમકડાંની રેલ,
એન્જિન મારું, ડબ્બા તારા, ચાલો રમીએ ખેલ.
પહેલે ડબ્બે ઢીંગલી બેઠી, બીજે બેઠો હાથી,
ત્રીજે ડબ્બે વાંદરભાઈ, લઈને આવ્યા સાથી;
સિગ્નલ લીલું, સીટી વાગી, ઊપડી રે ઝટ રેલ!
છુક છુક કરતી…
પલંગ નીચે બોગદું આવ્યું, અંધારું ઘનઘોર,
ઓશીકાનો ડુંગર ચડતાં, ચીસો પાડે જોર;
બાનું સ્ટેશન આવ્યું, ત્યાં તો મળ્યાં દૂધ ને ભેળ!
છુક છુક કરતી…
પરાગ કહે: આ રેલ તો ભાઈ, ક્યાંય ન જાતી દૂર,
ઘરના ખૂણે ખૂણે ફરતી, પહોંચે સપનાં પૂર;
ઊંઘ આવી ત્યાં છેલ્લું સ્ટેશન — થંભી ગઈ રે રેલ.
છુક છુક કરતી ચાલી રેલ…
– પરાગ રતનપરા