રળિયામણી સાંજ
આજની સાંજ મારી સોને મઢાઈ રે,
ભૂખ્યો અતિથિ આવ્યો, ઘડી મલકાઈ રે.
ફાટેલું પહેરણ ને ધૂળિયા પાય,
આંખોમાં આખું આકાશ સમાય;
અડધો રોટલો મેં તો ધર્યો હરખાઈ રે…
આજની સાંજ…
ખાઈને બોલ્યો: ‘મા, પેટ ભરાયું,’
મારાં રૂંવાડે મંદિર બંધાયું;
ઘંટ વિના મારી આરતી ગવાઈ રે…
આજની સાંજ…
પરાગ કહે: શું શોધો તીરથધામ?
ભૂખ્યાની આંખોમાં બેઠો છે રામ;
એ જ ઘડી સાચી, બાકી સઘળી પરાઈ રે…
આજની સાંજ…
– પરાગ રતનપરા