રખડું રે
રખડું રે હું તો રાનેરાન, મારે નથી કોઈ ઠામ,
વાદળ જેવો વહી જાઉં, મારે નથી કોઈ ગામ.
ઝરણાં પૂછે ‘ક્યાં ચાલ્યો?’, ને પૂછે પીપળ-પાન,
હસીને કહું: ‘જ્યાં લઈ જાશે ભીતરનું આ ગાન’;
પગની નીચે ધરતી મારી, માથે આભ તમામ…
રખડું રે…
ભૂખ લાગે તો ફળ ખાઉં, તરસે નદીનું નીર,
રાતે તારા ઓઢી સૂવું, ના કોઈ બંધન-જંજીર;
લોક કહે ‘આ ઘેલો’, હું કહું: ‘ઘેલું એ જ આરામ’…
રખડું રે…
પરાગ કહે: હું ફૂલનો કણ, મારો દેશ પવન,
જ્યાં ઊતરું ત્યાં ઊગી જાઉં, થઈને નવું ઉપવન;
ભમવું એ જ મારી પૂજા, ભમવામાં જ મારો રામ…
રખડું રે…
– પરાગ રતનપરા