← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રહેવા દો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૃદયમાં એક ઝીણું શું સ્મરણ તારું રહેવા દો,
ભલે લો છીનવી સઘળું, રુદન મારું રહેવા દો.

મને અજવાસ ખૂંચે છે, ઘણું જોયું ઉજાસોમાં,
હવે દીવા બુઝાવો, ઘોર અંધારું રહેવા દો.

નથી માગ્યું કશું તારી કને, બસ એટલું માગું,
તમારી આંખના ખૂણે સપન પ્યારું રહેવા દો.

ઘણા સાગર તરી આવ્યો, ઘણાં મોતી ય લાવ્યો છું,
મને આ આંખનું પાણી, હજી ખારું રહેવા દો.

પરાગે ફૂલ ખરવાની ઘડી પણ આજ સ્વીકારી,
હવે ડાળે બચેલું ફૂલ કુંવારું રહેવા દો.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #સ્મરણ #આંસુ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Remembrance #Tears #Surrender #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનવું વર્ષઆગલો લેખ →માનો ખોળો