રાતભર
મન અને હું બેઉ કરતા રોજ વાતો રાતભર,
ચાંદ પણ બારી ઉપરથી ગીત ગાતો રાતભર.
જે ન કીધું કોઈને, એ જાતને કીધું બધું,
ને થયો ખુદ સાથ મારો સ્હેજ નાતો રાતભર.
જે દબાવ્યું’તું વરસથી, તે બધું છલકી ગયું,
દર્દનો દરિયો હૃદયમાં ક્યાં ય માતો રાતભર?
આંસુ તો રોક્યું ભલે, પણ ધૂંધવાયું એ ઘણું,
આંખનો ખૂણો થયો આ સાવ રાતો રાતભર.
ને સવારે લોક પૂછે: ‘કેમ જાગ્યો, ઓ પરાગ?’
શું કહું? મનના ઝરણમાં હું ય ન્હાતો રાતભર.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મસંવાદ #ઉજાગરો #મન #એકાંત #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfTalk #SleeplessNight #Introspection #Solitude #ParagRatanpara