રાખજે
હું ભલે ભૂલું તને, પણ લાજ મારી રાખજે,
આવતાં મોડું થશે, તું એક બારી રાખજે.
ભીંત, ડામર, કાચ, પથ્થર, આ નગરમાં સૌ મળે,
બાળકો માટે ય નાની ફૂલ-ક્યારી રાખજે.
ભીડમાં સૌ એક સરખા, એક જેવા થઈ ગયા,
આપણી તું એક ઓળખ સાવ ન્યારી રાખજે.
રોષ, ઝઘડા, વેર, બદલા, બહુ થયા આ જિંદગી,
શત્રુ સામે હોય, તો યે જીભ સારી રાખજે.
આ પરાગે પણ જવું છે એક દી, હે મિત્ર, ત્યાં,
તું ગઝલ એની હૃદયમાં સાવ પ્યારી રાખજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #ઓળખ #સંસ્કાર #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Identity #Values #Legacy #ParagRatanpara