રાખડીનો તાંતણો
એક જ કાચો તાંતણો, વીરા, તોય એ કદી ન તૂટે,
તારી કલાઈ પર બાંધું, ને મારું પિયર ન છૂટે.
નાનપણે તેં ઢીંગલી મારી તોડી'તી ગુસ્સામાં,
પછી છાનોમાનો સાંધી, મૂકી'તી ખિસ્સામાં;
એ સાંધેલી ઢીંગલી જેવું હેત હજી ના ખૂટે —
એક જ કાચો તાંતણો, વીરા, તોય એ કદી ન તૂટે.
હવે તું સાત સમંદર પાર, ને હું ગામને ખૂણે,
કવરમાં બીડું રાખડી, ને આંસુ બીડું સૂને;
વીડિયો કૉલમાં કલાઈ ધરે, ત્યાં ભીનું હૈયું ફૂટે —
એક જ કાચો તાંતણો, વીરા, તોય એ કદી ન તૂટે.
પરાગ કહે: આ તાંતણો તો રેશમ નહીં, ભરોસો,
બહેન માગે ના સોનું-રૂપું, માગે એક જ ખોળો;
ભાઈનો ખભો મળે, તો ભલે ને દુનિયા આખી રૂઠે —
એક જ કાચો તાંતણો, વીરા, તોય એ કદી ન તૂટે.
– પરાગ રતનપરા