રાધા બોલાવે
મથુરાની વાટે ઊડે ધૂળ, રાધા બોલાવે,
પાછો વળ ને, ઓ નંદના લાલ, રાધા બોલાવે.
કદંબની ડાળે ઝૂલો ખાલી, ખાલી જમનાઘાટ,
ગાયો પૂછે ગોવાળોને: ‘ક્યાં ગયો મારો નાથ?’
મોરપીંછ ઊડી ઊડીને આંગણે પાછું આવે…
રાધા બોલાવે.
રાજ મળ્યું તને, શંખ મળ્યો, મળ્યાં ચક્ર ને સેના,
અમને મળ્યું એક વાંસળીનું મૌન ને ભીનાં નેણાં;
માખણ મટુકી ભરી રાખી, કોઈ ન ફોડવા આવે…
રાધા બોલાવે.
પરાગ કહે: કાનો ગયો, પણ ગયો નહીં એ ક્યાંય,
રાધાના શ્વાસે શ્વાસે એ વાંસળી થઈ વાય;
જે જાય એ પાછો ના આવે, જે રહે એ જ ગાવે…
રાધા બોલાવે.
– પરાગ રતનપરા