← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કહું તો પણ ફરીથી એ જમાડે પ્રેમથી,
ને દવાખાને પછી ડૉક્ટર ઉજાડે પ્રેમથી.

બાપ ઑફિસમાં, અને મમ્મી કિટીમાં વ્યસ્ત છે,
ફોન આપી બાળકોને એ રમાડે પ્રેમથી.

જે ગળે મળતા હતા ને ‘દોસ્ત’ બોલી થાકતા,
એ જ કુસ્તીના અખાડે તો પછાડે પ્રેમથી.

બાપ ધમકાવે, અને દાદી છુપાવે ખાનગી,
એમ બાળકને બધાં સાથે બગાડે પ્રેમથી.

મંચ પરથી આ પરાગે જ્યાં ગઝલ છેડી જરા,
તો સભા તાળી બજાવીને ભગાડે પ્રેમથી.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યવ્યંગ #આગ્રહ #સગાંવહાલાં #મીઠોમાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Humour #FamilyLife #LovingTorture #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમાળિયેઆગલો લેખ →માણસ