← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમનું પ્રશ્નપત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમનું પ્રશ્નપત્ર આપ્યું રે સાજન, ઉત્તર ક્યાંથી લાવું?
આંખે આંખે પ્રશ્ન પૂછ્યા ને મૌને મૌને જાવું!

પહેલો પ્રશ્ન: ‘હથેળી વચ્ચે ખાલી જગ્યા પૂરો,’
મેં તો તારી આંગળીઓથી અર્થ કર્યો મધુરો;
બીજો પ્રશ્ન: ‘વાટ જુઓ છો?’ ઉંબર કહે: ‘બતાવું?’
પ્રેમનું પ્રશ્નપત્ર આપ્યું…

ત્રીજો પ્રશ્ન ફરજિયાત: ‘વિરહનો નિબંધ લખો,’
શાહી ખૂટી, કાગળ ભીંજ્યો, આંસુએ દીધા ટકો;
ચોથો પ્રશ્ન વૈકલ્પિક: ‘ભૂલવું કે ગાવું?’
પ્રેમનું પ્રશ્નપત્ર આપ્યું…

પરાગ કહે: આ પરીક્ષામાં કોઈ ન પાસ કે નાપાસ,
માર્ક્સ મળે તો ધબકારાના, ઇનામ મળે તો શ્વાસ;
જિંદગી આખી ઉત્તરવહી, તોય ન પૂરી લખાવું…
પ્રેમનું પ્રશ્નપત્ર આપ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમળતા રહોઆગલો લેખ →ઢોકળાં