પ્રવૃત્તિનો પંથ
દોડી દોડી થાક્યો રે જીવડા, હવે તો હરિને ભાળ,
કમાણીમાં જીવન ખરચ્યું, ને ભૂલ્યો ભજનનો તાલ.
સવારે ઊઠી ફોન ઉપાડ્યો, રાતે ફોને સૂતો,
ખાતાવહીમાં આંકડા ગણ્યા, ઘરમાં કદી ના ઢૂંકતો;
માના હાથનો રોટલો ઠરિયો, ને ઠરિયો સંધ્યાકાળ…
દોડી દોડી…
મંદિર ગયો તો પણ મન તો શેરબજારે ફરતું,
માળા ફેરવે આંગળી, ને ચિત્ત તો ધનને વરતું;
હરિ ઊભો’તો બારણે, તેં તો ઓળખ્યો નહીં લગાર…
દોડી દોડી…
પરાગ કહે: પ્રવૃત્તિ ભલે, પણ ભીતર રાખજે વાટ,
કામ કરે હાથ, ને મનમાં રામનો રહે ઘાટ;
ખેતરે ખેડુ ગાય ભજન, એ જ સાચો ભક્તિમાર્ગ…
દોડી દોડી…
– પરાગ રતનપરા